રિલાયન્સ જિયોના આગમન પછી સસ્તા થયેલા ઇન્ટરનેટ પ્લાનને કારણે યૂટ્યૂબ અને અન્ય પ્રકારના ઓનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. અત્યારે ચાલી રહેલા આઇપીએલની મેચો પણ ઘણા લોકો મોબાઇલ પર લાઇવ જોતાં હોય છે. તે સિવાય વિવિધ એપ જેવી કે એમેઝોન પ્રાઇમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર, સોની લિવ સહિતનો યૂઝેજ ખૂબ વધ્યો છે. ઓફિસમાં સતત કમ્પ્યૂટર સામે બેસીને કામ કરતાં લોકો અને મોબાઇલ સ્ક્રીન પર વીડિયો, ગેમ્સ કે ચેટિંગ કરતાં લોકોની સંખ્યા ઊંચી છે. શું દિવસમાં 7-8 કલાક કે 10 કલાક સુધી સતત કમ્પ્યૂટર સ્ક્રીન કે મોબાઇલ સ્ક્રીન સામે જોવાથી અંધાપો આવી શકે?
જાણીતી ટેક સાઇટ the verge એ આ સવાલ આંખોના ડોક્ટર રેબેક્કા ટેલરને પૂછ્યો. અમેરિકાના નેશવિલ, ટેનેસી ખાતે પ્રેક્ટિસ કરતાં ડો. ટેલરનો જવાબથી આપણને થોડું રિલેક્સ ફીલ થશે. મોબાઇલ કે કમ્પ્યૂટર સ્ક્રીન સામે સતત રહેવાથી અંધાપો તો નહીં આવે પરંતુ આંખોને તકલીફ અવશ્ય થઇ શકે છે. જેમ કે, બ્લરી વિઝન, આંખોનું ડ્રાય થવું, આંખોમાંથી પાણી આવવું ને સૌથી સામાન્ય આંખોને થાક લાગવો. આંખોને થતી આ તકલીફને કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમ કહેવાય છે.
કોઇ પણ સ્ક્રીન સામે લાંબો સમય જોવાથી આંખોના પલકારા ઘટવા લાગે છે. સામાન્ય કરતાં કમ્પ્યૂટર સામે બેઠા પછી આંખોના પલકારામાં લગભગ 67 ટકા જેવો ઘટાડો આવે છે. યુનિવર્સિટી ઓફ આયોવાના ડો એલિસન બોઝુંગ અનુસાર, આવી સમસ્યાને ટાળવા માટે આંખોને ડ્રાય ન થવા દે તેવા ડ્રોપ્સનો યૂઝ કરવો જોઇએ.
20-20-20 રૂલ એટલે શું
જો તમે પણ કમ્પ્યૂટર કે મોબાઇલ સ્ક્રીન સામે ઘણા કલાકો બેસી રહેતા હો તો ડોક્ટર્સ 20-20-20 રૂલ ફોલો કરવાની સલાહ આપે છે. 20-20-20 રૂલ એટલે જો તમે કોઇ પણ સ્ક્રીન સામે સતત બેસતા હો તો 20 મિનિટ પછી 20 સેકન્ડનો બ્રેક લો. આ 20 સેકન્ડ દરમિયાન તમારાથી 20 ફૂટ દૂર જોવાનું. આ પાછળનું મુખ્ય કારણ છે કે, નજીકની વસ્તુ પર ફોકસ કરવામાં આંખોને વધુ એનર્જીની જરૂર પડે છે. આમ 20 ફૂટ દૂર 20 સેકન્ડ સુધી જોવાથી આંખોના સ્નાયુઓને જરૂરી રિલેક્સેશન મળે છે. ડો. ટેલર અનુસાર, તમે ભલે સ્ક્રીન પર કામ ન કરતાં હો પણ જો તમારા કામમાં નજીકની કોઇ વસ્તુને ધ્યાનથી જોવી જરૂરી હોય તો 20-20-20 રૂલ તેવા લોકોને પણ લાગૂ પડે છે.
કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમથી આંખોને બચાવવા માટેની ટિપ્સ
કમ્પ્યૂટર કે લેપટોપની સ્ક્રીન એવી રીતે સેટ કરો કે જેથી આંખોએ સીધું સામે નહીં પણ 20 ડિગ્રી જેટલું નીચેની તરફ જોવું પડે
કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમથી આંખોને બચાવવાની ટિપ્સ
- સતત 2 કલાક સુધી સ્ક્રીન પર કામ કર્યા પછી 15 મિનિટનો બ્રેક લેવો જોઇએ. આ બ્રેક દરમિયાન મોબાઇલનો પણ ઉપયોગ ટાળવો. તમે કલીગ્સ સાથે વાત કરી શકો છો અન્ય કોઇ કામ પતાવી શકો છો.
- તમે લેપટોપ કે મોનિટર પર કામ કરતાં હો તો ટ્રાય કરો કે તેની સ્ક્રીન તમારાથી અંદાજે 25 ઇંચ જેટલી દૂર હોય તથા સ્ક્રીનને આંખો સામે સીધી રાખવાની જગ્યાએ સ્ક્રીનને એવી રીતે સેટ કરો જેથી તમારે આંખોથી 20 ડિગ્રી જેટલું નીચે તરફ જોવું પડે.
- તે સિવાય કમ્પ્યૂટર કે મોબાઇલની સ્ક્રીનનો કોન્ટ્રાસ્ટ હાઇ રાખો. અત્યંત નાના ફોન્ટની જગ્યાએ આંખોને તકલીફ ન પડે તેવા મોટા ફોન્ટનો યૂઝ કરવો.
- મોનિટર પર એન્ટી ગ્લેર ફિલ્ટર લગાવી શકો છો. તે સિવાય એન્ટિગ્લેર ગ્લાસિસ પણ તમે પહેરી શકો છો.
- તમારા સ્ક્રીન પર સૂર્યનો સીધો પ્રકાશ ન પડતો હોય તે રીતે બેસવું જોઇએ.
- કમ્પ્યૂટર વિઝન સિન્ડ્રોમથી આંખોને બચાવવી હોય તો સૂતા પહેલા ટીવી, મોબાઇલ કે કમ્પ્યૂટરનો ઉપયોગ ટાળો.
Good information sir ji
ReplyDelete