Monday, May 30, 2022

લોહીની સગાઈ

 લોહીની સગાઈ


          રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેતેમ કરીને મોબાઈલ અપાવો.પપ્પા, મારા બધા મિત્રો મોબાઈલ લઈને ફરે છે.ને..હું..પપ્પા , હવે જે પગાર આવે એમાંથી મને મોબાઈલ અપાવજો નહિ તો હું!!.તેના પપ્પા વદનભાઈ, જે મધ્યમવર્ગના હતા.આ સાંભળી ગુસ્સે થઇ ગયા, “હા હા બોલ, નહિ તો શું ? બોલ શું કરશે ? જો બેટા, હું એક નાની કંપનીમાં સામાન્ય કારકુન છું .ને ફક્ત આઠ હજાર મારો પગાર છે. તું મારો એકનોએક દીકરો છે. તારા લાડકોડ પુરા કરવાની મારી ફરજ છે.પણ બેટા શું કરું? હું એટલો ભણેલો નથી કે મોટો સાહેબ નથી. તું સમજુ છે બેટા, હું તને સારી રીતે ભણાવી શકું કે જેથી તું મોટો થઈને મોટો માણસ બને. ને સારું કમાઈને આગળ વધે. એ સિવાય બીજું હું શું કરી શકું?  પણ રાજ આજે જીદે ભરાયો હતો.. એ જોરથી બોલવા લાગ્યો. એ સાંભળી રસોડામાંથી એની મમ્મી વિજયા બહાર આવી. બાપ દીકરાની વાતો સાંભળવા લાગી. રાજ જોરથી બરાડ્યો,” પપ્પા, તમારાથી કઈ થતું જ નથી.બસ ૧૦ વાગે જશોને ૬ વાગે ઘરે પાછા. ને ફરી તમારા દોસ્તોની સાથે ગલીના નાકે જઈ ઓટલે બેસી જશો બસ..” આ સાંભળી વિજયાબેન ગુસ્સામાં આવી બોલ્યા,” રાજ .. શું બોલે છે? તેનું તને ભાન છે? તારા પપ્પાની ઉમર ૫૪ વર્ષની છે. હજુ તારે શું કરાવવું છે? તું ૧૨માં ધોરણમાં ભણે છે. અત્યારે એની પરીક્ષામાં ધ્યાન આપ. મોબાઈલ તને હમણાં નહી મળે. બસ આ વાત અહિયાં બંધ કરો. અને બંને  જમવા ચાલો”.  રાજ ગુસ્સામાં બોલ્યો, “મમ્મી, પપ્પા ..સાંભળી લો , કોલેજમાં ભણાવવો હોય તો ૧૨મા પછી મને મોબાઈલ અપાવવો જ પડશે. ૨૦,૦૦૦ નો આવે છે ,પૈસાની સગવડ કરવા માંડજો નહિ તો હું ૧૨માં પછી નહિ ભણું”. કહીને જમ્યા વગર ઘરની બહાર જતો રહ્યો.

વદન 'ને વિજયાબેન દીકરા સામે લાચાર બની ગયા. બીજે દિવસે રાજ સ્કુલે જતો હતો. કોઈની સાથે વાત પણ ના કરી. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એના પપ્પાએ બોલાવ્યો “બેટા.??.” પણ રાજે તો એમની સામે પણ ન જોયું ને જતો રહ્યો.

           વદનભાઈ લાચાર બની ખુરશી પર ફસડાઈ પડ્યા.આંખમાં આંસુ આવી ગયા. એક બાજુ દીકરાની જીદ ને બીજી બાજુ પોતાની લાચારી અને ગરીબી.અમદાવાદની એક પોળમાં બે રૂમ રસોડાનું બાપદાદાનું મકાન હતું. એટલે સારું હતું. કુટુંબમાં ત્રણ જણ એટલે કરકસરથી ઘર ચાલી રહેતું. વદનભાઈ ખુરશીમાં ફસડાઈ પડ્યા. એ વિજયાએ રસોડામાંથી જોયું.દીકરાનો તિરસ્કાર સહન ન થયો. આંખમાં આંસુ હતા. પાણીનો ગ્લાસ લઇ વદનભાઈ પાસે આવી ખભે હાથ મુક્યો. વદનભાઈએ પત્ની સામે જોયું ને બોલ્યો,” શું થશે ? “ વિજયાબેને કહ્યું , “ જુઓ, તમે ગુસ્સો ન કરો.. તમારી તબિયત પર અસર થશે. જુવાન છોકરો છે એને સમજાવીશું . જીદથી અને ગુસ્સાથી કામ બગડશે...કઈક વિચારીશું. હજુ કોલેજમાં જવાની તો ૬ મહિનાની વાર છે ને? કાઈક કરીશું. હું સમજાવીશ એને .ચાલો તમે તૈયાર થઇ જાવ .ટીફીન બની ગયું છે. ઓફિસનો ટાઈમ થઇ જશે હમણાં . હું તમારા માટે ચા નાસ્તો બનાવી લાવું છું.

            ઓફિસમાં વદનભાઈનું ચિત્ત કામમાં ન લાગ્યું . વારેવારે દીકરો યાદ આવી જતો. એ વિચારવા લાગ્યા કે સાંજે ૬ થી ૯ કઈક કામ કરું તો દીકરાને ખુશી આપી શકું.. થોડી કરકસર વધુ કરીશ. કાલથી ઘરેથી થોડો વહેલો નીકળીશ ઓફીસ ચાલતો જઈશ એટલે રિક્ષાના પૈસા બચશે.ઓફિસમાં બપોરની ચા બંધ કરી દઈશ તો એના દસ રૂપિયા રોજના બચશે.એ મનોમન ખુશ થઇ ગયા. આજે સાંજે ચાલતા જ ઘરે જવાનું નક્કી કર્યું.ચાલતા ચાલતા ઘરે જતા રસ્તામાં એક બેકરી આવતી હતી.ત્યાં એક બોર્ડ જોયું.ત્યાં લખ્યું હતું, “પાર્ટ ટાઇમ ડીલીવરી મેન” ની જરૂર છે. ને એ ત્યાં બેકરીના મેનેજર પાસે  ગયા. ને બોલ્યા, “સાહેબ ??” ને પેલાએ ઊંચું જોયું ને કહ્યું,” અરે વદન તું ?? આવ આવ “ વદન એને જોઈ રહ્યો ને બોલ્યો , “ અરે જયેશ તું ?? “ જયેશ બહાર આવીને વદનને ભેટ્યો. ને અંદર એની કેબીનમાં લઇ ગયો. પાણી આપ્યું. ને નોકર પાસે કેક મંગાવીને પેક કરવા કહ્યું.એણે બહુ ના પાડી પણ જયેશ ના માન્યો..બંને મિત્રો  એ જૂની વાતો યાદ કરી . શાળા જીવનની વાતો કરી.વદને કહ્યું, “ હું તો વધારે ભણ્યો નથી. પણ દોસ્ત, મારે તારું કામ છે.તારી બેકરીમાં પાર્ટ ટાઇમ  જોબ માટે બોર્ડ માર્યું છે એ નોકરી તું મને અપાવી શકે?” એમ કહેતા એની આંખોમાં ભીનાશ છવાઈ ગઈ. જયેશે કહ્યું. “ હા...પણ પહેલા એ કહે કેમ ? એકદમ શું જરૂર પડી ? “ અને વદનભાઈએ પોતાના દીકરાની વાત કરી 'ને કહ્યું.” મારે મારા દીકરાને ખુશ જોવો છે. એ આવતા વર્ષે કોલેજ જશે ત્યારે નવો મોબાઈલ લઇ ખુબ ખુશ થશે. “ જયેશે બધું વિચારી લીધું. 

ને કહ્યું, વદન.. કાલથી જ સાંજે ૬ થી ૯ સુધીની પાર્ટ ટાઇમની નોકરી પર આવી જજે.રોજ સાંજે હોમ ડીલીવરીના ઓર્ડર આવે છે તારે પીઝા, કેકની ડીલીવરી કરવા જવાનું . મહીને ૩૦૦૦ રૂપિયા મળશે.” વદનભાઈ રાજી થઇ ગયા..ઘરે જઈ પત્નીને બુમ પાડી . વિજયા બહાર આવી.એણે કહ્યું, કેમ આટલા ખુશ છો ? વદનભાઈએ ઇશારાથી પૂછ્યું,” રાજ ક્યાં છે?” વિજયાએ કહ્યું ,” હમણાં જ વાંચીને થોડીવાર માટે બહાર ગયો છે .” એણે વિજયાને પાર્ટ ટાઇમ જોબની વાત કરી. વિજયા વદનભાઈની સામે આંસુ સભર આંખે જોઈ રહી.બીજા દિવસથી જ પાર્ટટાઇમ જોબ શરુ કરી દીધી.તો વિજયાએ ઘરમાં પાપડ ' ને અથાણું બનાવી વેચવાનું શરુ કર્યું. પતિપત્ની બંને દીકરાના લાડકોડ પુરા કરવા મહેનત કરવા લાગ્યા.

એક દિવસ રાજે કહ્યું, “મમ્મી, પપ્પા કેમ રોજ મોડા આવે છે ?” વિજયાએ કહ્યું . “ ઓવર ટાઇમ કરે છે અને ચાલતા ઘરે આવે છે એટલે મોડું થઇ જાય છે. રાજ "હમમ" કહી વાંચવા બેસી ગયો. બારમાની પરીક્ષા નજીક આવતી હતી. સ્કુલે જવાનું નહોતું.તે ઘરે બેસી ને જ વાંચતો.ખુબ જ મહેનત કરતો. હોશિયાર હતો.

વાંચતા વાંચતા એનું ધ્યાન જતું..મમ્મી અથાણા પાપડ બનાવી લોકોને વેચે છે. લોકો ઘરે જ લેવા આવતા. એક દિવસ એણે મમ્મીને કહ્યું,” મારા દોસ્તની બર્થ ડે છે હું સાંજે જવાનો છું. મારું જમવાનું નહી બનાવતી”. ને સાંજે તૈયાર થઇ દોસ્તની બર્થ ડે પાર્ટીમાં જતો રહ્યો. સંજોગોવશાત એ જ પાર્ટીમાં વદનભાઈને કેક પીઝાની ડીલીવરી કરવા જવાનું થયું. ડીલીવરીમેનનો યુનિફોર્મ પહેરી ,કેક પીઝાના પેકેટ્સ લઇ.. સરનામું શોધી આપવા ગયા.. બધા મિત્રો ભેગા થયા હતા. રાજ પણ હતો. 

          વદનભાઈએ બેલ વગાડી....બારણું રાજે જ ખોલ્યું. સામે જ પોતાના પપ્પાને જોયા.  તે તરત અંદર જતો રહ્યો . સોફા પર બેસી ગયો. તેના દોસ્તની બર્થ ડે હતી. એણે રાજના પપ્પાને કહ્યું,” એય..કેક ને પીઝા પેલા ટેબલ પર મૂકી દે . વદનભાઈના હાથમાં પાંચ પીઝાના પેકેટ અને એક મોટું કેકનું પેકેટ હતું. તે ધીમેથી ચાલતા ટેબલ તરફ જવા લાગ્યા . રાજ પોતાના પપ્પાને ત્રાંસી નજરે જોઈ રહ્યો. તેના દોસ્તો રાજના પપ્પાને ઓળખતા ન હતા. રાજ ખુબ જ લાચારીથી, ચુપચાપ જોઈ રહ્યો.એવામાં રાજનો એક દોસ્ત વદનભાઈ સાથે અથડાયો , ને પીઝાના પેકેટ નીચે પડી ગયા. વદનભાઈ પણ નીચે પડી ગયા. રાજના દોસ્તને ગુસ્સો આવ્યો તે ગુસ્સામાં વદનભાઈ તરફ ધસ્યો ને કોલર પકડીને કહ્યું, “એય બુઢા, કામ ન થતું હોય તો ઘરે બેસ “ કહી મારવા માટે હાથ ઉપાડ્યો....આ જોઈને રાજ સોફા પરથી દોડતો આવ્યો...પોતાના પપ્પાને ઉભા કરી એકબાજુ ખુરસી પર બેસાડ્યા ને પછી પોતાના દોસ્તને કોલર પકડી ખેંચીને એક તમાચો માર્યો.બધા દોસ્તો અવાક થઇ ગયા. પછી ધીમેથી રાજ બોલ્યો,” દોસ્ત, મને માફ કર. આ બુઢો, આ ડીલીવરીમેન મારા પપ્પા છે..” કહીને પપ્પાનો હાથ પકડી નીચે ઉતરી ગયો...ઘરે આવીને માબાપના પગમાં પડી ગયો.ને ચોધાર આંસુએ રડવા લાગ્યો. ને બોલ્યો..” પપ્પા, મને માફ કરી દો “ કહી પપ્પાને ભેટી પડ્યો ..”મારી ભૂલ હું સુધારીશ ….પપ્પા, પરીક્ષા પછી હું ડીલીવરીમેન બની કામ કરીશ. મમ્મી ...તારા અથાણા, પાપડ પણ હું આપવા જઈશ..હું જાતે કમાઇશ ..મારે મોબાઈલ નથી જોઈતો ...હું ખુબ ભણીશ.. કમાઇશ 'ને મારા મા બાપુને સુખી કરીશ...”

         વદન અને વિજયા દીકરાના હ્રદય પરિવર્તન ને જોઈ રહ્યાં .દીકરાના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા . આજે લોહીની સગાઈ જીતી ગઈ..

No comments:

Post a Comment

લોહીની સગાઈ

 લોહીની સગાઈ           રાજ ગુસ્સામાં ઘરે આવ્યો. આવતાની સાથે જ તેના પપ્પાને ઊંચા અવાજમાં સંભળાવી દીધું ,”પપ્પા, જુઓ તમને કહી દઉં છું મને ગમેત...